અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ
Gyaan Karm Sanyaas
શ્રીભગવાન ઉવાચ
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ |
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્ ||૧||
શ્રી ભગવાન બોલ્યા: આ અવ્યય યોગ મેં વિવસ્વાન ને જણાવ્યો. વિવસ્વાને તેને મનુને કહ્યો.અને મનુએ તેને ઇક્ષ્વાકને જણાવ્યો.
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ |
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ||૨||
હે પરંતપ, આ રીતે આ યોગ પરમ્પરાઓથી રાજર્ષીઓને પ્રાપ્ત થતો રહ્યો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, બહુજ સમય પછી, તેનું જ્ઞાન નષ્ટ થઇ ગયું||
સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ।
ભક્તોઽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥૩॥
પણ આ પુરાતન (જુનો) અને ઉત્તમ રહસ્ય-રૂપ યોગ મેં તને આજે કહી સંભળાવ્યો, કારણ કે તું મારો પ્રિય, ભક્ત અને મિત્ર (સખા) છે
અર્જુન ઉવાચ ।
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ ।
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ॥૪॥
શ્રી અર્જુન બોલ્યા: આપે ભૂતકાળ માં સૂર્ય ને આ કર્મયોગ કહ્યો હતો,તે વાત મારી સમજ માં આવતી નથી. સૂર્ય તો ઘણા જુના સમય થી છે. જયારે તમારો જન્મ તો આધુનિક (હમણાંના) જમાના માં થયો છે. આપ ખોટું કહો છો-તેમ તો એકદમ કેવી રીતે કહી શકાય ? પણ આ ના સમજાય તેવી વાત જે આપે કહી ,તેના વિષે વધુ સ્પષ્ટતાથી મને કહો.
શ્રીભગવાન ઉવાચ ।
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ॥૫॥
શ્રી ભગવાન બોલ્યા: જે વખતે સૂર્ય હતો,તે વખતે આપણે નહોતા, એવી જે શંકા તારા મનમાં આવેલી છે, તે સાચી નથી,કારણ કે- તું જાણતો નથી,કે તારા અને મારા અનેક જન્મો થઇ ગયા છે, તને કોઈ પણ પાછલા જન્મ યાદ નથી. પણ જે વેળાએ જે જે અવતારો મેં ધારણ કર્યા હતા તે સઘળા મને યાદ છે.
અજોઽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોઽપિ સન્ ।
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા ॥૬॥
(૧) -પરમાત્મા નો બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય) તરીકે કોઈ આકાર નથી. (પરમાત્મા નિરાકાર છે)
(૨)- આ આકાશ જેવા –નિરાકાર પરમાત્માનો આકારરૂપે જન્મ કેવી રીતે થઇ શકે ? એટલે પરમાત્મા નો બ્રહ્મ તરીકે કોઈ જન્મ નથી. (પરમાત્મા અજન્મા છે)
(૩)-અનંત આકાશ સર્વ જગ્યાએ છે. તેમ પરમાત્મા સર્વ જગ્યાએ છે (પરમાત્મા સર્વત્ર છે)
માટી માંથી જયારે ઘડો બનાવવામાં આવે છે ત્યારે જ – ઘડો- ઘડા તરીકે આંખ આગળ નજરે પડે છે. આ જ રીતે પરમાત્મા (બ્રહ્મ) પણ,માયા (પ્રકૃતિ) નો સ્વીકાર કરી ને, જન્મ (શરીર-અવતાર) ધારણ કરે છે. (સર્ગ-સિદ્ધાંત) આમ માયા ના સંસર્ગ (યોગ) થી, શરીર ધારણ કરી ને –“એક” પરમાત્મા (બ્રહ્મ)- “દેવ” (રામ-કૃષ્ણ-વગેરે) બને છે. એટલે કે એમ પણ કહી શકાય કે- પરમાત્મા (બ્રહ્મ) અને શ્રીકૃષ્ણ એમ બે જણા –(બે પરમાત્મા) હાજર છે,એવું દેખાય છે. પણ- જેમ દર્પણ ની અંદર પ્રતિબિંબ પડે –ત્યારે એક વસ્તુ –એ- બે વસ્તુ જેવી દેખાય છે, પણ તેમ છતાં –વસ્તુ તો એક ની એક જ રહે છે.માત્ર બે વસ્તુ થયા નો ભાસ (ભ્રમ) થાય છે.તેમ. દર્પણ એ માયા છે-જેમાં પરમાત્માનું –શ્રીકૃષ્ણ રૂપી પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબ ને (શ્રીકૃષ્ણને) આપણે જોઈ શકીએ છીએ, પણ જેનું (પરમાત્માનું) પ્રતિબિંબ પડે છે- તે પરમાત્મા ને જોઈ શકાતા નથી. (સહેજ સહેલાઈ થી સમજવા માટે જ દર્પણ નું ઉદાહરણ છે- તેને વધુ આગળ ખેંચીશું નહિ.) શ્રીકૃષ્ણ-શરીર થી (દેવ-રૂપી અવતારથી) જગત ના જે જે કર્તવ્ય કર્મો કરે છે-ત્યારે તે – એક સામાન્ય માનવી ની જેમ વર્તે છે-(વર્તતા દેખાય છે)- તે જોઈ ને લોકો ને –શ્રીકૃષ્ણ (પરમાત્મા) પણ કર્મો ને આધીન છે,તેવું લાગે છે, પણ તે માત્ર ભ્રમ છે. નાટક નો કોઈ કલાકાર જેમ જુદાં જુદાં પાત્રો ધારણ કરે છે,પણ તેનાથી, તે પોતે બદલાઈ જતો નથી, તેવી જ રીતે પરમાત્મા (બ્રહ્મ), શ્રીકૃષ્ણ નો અવતાર લઇ (સાકાર બની) ને નાટકના કલાકાર ની જેમ, નાટક માં જે પાત્ર ભજવવાનું હોય , તેવો માત્ર બહાર નો આકાર જ (જગતને દેખાતો આકાર-શરીર-સાકાર સ્વ-રૂપ-દેવ-રૂપ-શ્રીકૃષ્ણ) ધારણ કરે છે. (૬)
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥૭॥
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥૮॥
જગતના જેટલા જેટલા ધર્મ (સ્વ-ધર્મ) છે, તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે, જુદી જુદી પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે, તે –સર્વ-ધર્મ નું (સ્વ-ધર્મનું) પ્રત્યેક યુગમાં પરમાત્માએ રક્ષણ કરવું જ જોઈએ, એવો ક્રમ અનાદિ-કાળ થી ચાલ્યો આવે છે, એટલે જે જે સમયમાં અધર્મ ના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મ નો) ક્ષય (નાશ) થાય છે, એટલે તે તે સમય માં ભક્તો ના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે – પરમાત્મા દેહ ધારણ કરે છે. નિરાકાર પરમાત્મા - સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે. અને આવા પરમાત્મા ના અવતારો જગતમાં ફેલાયેલા અજ્ઞાન ના અંધકાર નો નાશ કરે છે. અધર્મી ઓ (દુષ્ટો-દૈત્યો) નો નાશ કરે છે. વિવેકરૂપી અંગારા પર ની અવિવેક ની રાખ ને દૂર કરી –વિવેક નો અગ્નિ પ્રજ્વલિત કરે છે. ટૂંક માં કહીએ તો- ઉપર બતાવેલાં કાર્યો (કર્મો) કરવા માટે (અધર્મ દૂર કરી ધર્મ ની ફરીથી સ્થાપના કરવા માટે) પ્રત્યેક યુગમાં પરમાત્મા (બ્રહ્મ) “અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે. (૭-૮)
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥૯॥
વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ ।
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ॥૧૦॥
એટલે કે-નિરાકાર (આકાર વગરના)-અજન્મા (જેને જન્મ નથી તેવા) -અક્રિય (ક્રિયા વગરના) હોવા છતાં- પરમાત્મા (બ્રહ્મ) સાકાર (શ્રીકૃષ્ણ) થાય છે, જન્મ લે છે,અને ક્રિયા કરે છે, પરમાત્મા ના આવા- સાકાર - સ્વ-રૂપ (અવતાર) નું રહસ્ય- જે કોઈ પણ-–કોઈ પણ જાતની શંકા કે સંશય વગર સાચી રીતે સમજે છે – તે-જ-પરમાત્મા ને સાચી રીતે જે ઓળખે છે-અને -તે –જ- સાચું -જ્ઞાન-છે. આવું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓ –શરીરમાં રહેવા છતાં-ક્રિયાઓ (કર્મો) કરવા છતાં- પણ શરીર થી વિમુક્ત (વિદેહી) છે, અને આવા જ્ઞાન થી પવિત્ર થયેલા અને જેમનાં કામ,ક્રોધ અને ભય –નષ્ટ થયા છે, તથા- જે પરમાત્મા ના જ આશ્રયે રહેલા છે-તે- મૃત્યુ પછી તે પરમાત્મા માં જઈ મળે છે. (આત્મા-પરમાત્મા નું ઐક્ય થાય છે) (૯-૧૦)
યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥૧૧॥
“ફળ માટે જ કર્મ કરનારા અને ફળની જ જેમને ઈચ્છા છે, - તેવા મનુષ્યો, જે જે ભાવનાથી મારું ભજન કરે છે, (તેમની ઈચ્છા) તેમની ભાવના મુજબ જ હું પૂર્ણ કરું છું. તેમની બુદ્ધિ એ પેદા કરેલ અનેક દેવ-દેવીઓ અને સર્વ માં સાચી રીતે તો -હું જ છું. “ (૧૧)
કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ ।
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ॥૧૨॥
જુદા જુદા દેવ-દેવી ની ઉપાસના નો આધાર માત્ર પરમાત્મા (બ્રહ્મ) જ હોવાથી, દરેક મનુષ્ય ને તેની ભાવના (ઈચ્છા) મુજબ કે- તેને તે ઈચ્છા માટે કરેલ કર્મ મુજબ-જ- ફળ મળે છે. (૧૨)
ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ ।
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ॥૧૩॥
વર્ણોની રચના (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે. એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)
ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥૧૪॥
એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ ।
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ॥૧૫॥
વર્ણભેદ(ચાર વર્ણો) –પરમાત્મા ની સત્તાથી થયેલો છે-તેમ છતાં –તેમણે (પરમાત્માએ) કરેલો નથી… અને આ પરમાત્મા ના કર્મો ને (સૃષ્ટિ ની રચના) … સાચી રીતે જે સમજી લઇ અને પ્રકૃતિ-અનુસાર (સ્વ-ભાવ અનુસાર-વર્ણ અનુસાર) પોતાના- કર્તવ્ય-કર્મો – કર્મ માં આસક્ત થયા વિના (વિવેકથી) કરે છે- તેને કર્મો નું બંધન લાગતું નથી. (૧૪-૧૫)
કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥૧૬॥
શ્રીકૃષ્ણ કહે છે- કે-કર્મ એટલે શું ?તે હું તને જણાવું છું,કે જે - જાણી ને તું સંસારના દુઃખ માંથી મુક્ત થઈશ. (૧૬)
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥૧૭॥
કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મ ની ગિત અિતશય ગહન છે. (૧૭)
કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥૧૮॥
શરીર,મન અને ઇન્દ્રિયો જે વ્યાપાર કર્મ (કર્તવ્ય કર્મ) કરે છે - એમાં આત્મા નું જે અકર્તાપણું (આત્મા કશું કરતો નથી -તેમ માનવું તે) છે, એવું જે સમજી જાય છે,તે, લૌકિક (સામાજિક) રીતે સર્વ કર્મ કરતો હોવાં છતાં કર્મ કરતો નથી.(કર્મ માં અકર્મ)…(૧૮)
યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ ।
જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ॥૧૯॥
જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)
ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ ।
કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સઃ ॥૨૦॥
જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.(૨૦)
નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥૨૧॥
જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. (૨૧)
યદૃચ્છાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ ।
સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥૨૨॥
કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. (૨૨)
ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ ।
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥૨૩॥
જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે, તેના બધા જ કર્મો નાશ પામે છે.(૨૩)
બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ ।
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના ॥૨૪॥
કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૨૪)
દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે ।
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ॥૨૫॥
કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ, (જ્ઞાનરૂપી યજ્ઞ માં ) બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.(૨૫)
શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ ।
શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ॥૨૬॥
કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, (૨૬)
સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે ।
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ॥૨૭॥
તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (૨૭)
દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે ।
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ ॥૨૮॥
કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે. તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. (૨૮)
અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેઽપાનં તથાપરે ।
પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ ॥૨૯॥
કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. (૨૯)
અપરે નિયતાહારાઃ પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ ।
સર્વેઽપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ ॥૩૦॥
કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.(૩૦)
યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ ।
નાયં લોકોઽસ્ત્યયજ્ઞસ્ય કુતોઽન્યઃ કુરુસત્તમ ॥૩૧॥
હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? (૩૧)
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥૩૨॥
વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)
શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ ।
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥૩૩॥
હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. (૩૩)
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥૩૪॥
આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. (૩૪)
યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ ।
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥૩૫॥
હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)
અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ ।
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસિ ॥૩૬॥
જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)
યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન ।
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥૩૭॥
જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ।
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ॥૩૮॥
જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)
શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥૩૯॥
શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે, અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)
અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ।
નાયં લોકોઽસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥૪૦॥
જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)
યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસંછિન્નસંશયમ્ ।
આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ॥૪૧॥
હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)
તસ્માદજ્ઞાનસંભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ ।
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥૪૨॥
એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
જ્ઞાનકર્મસંન્યાસયોગો નામ ચતુર્થોઽધ્યાયઃ ॥૪॥
અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)