શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 6 - આત્મસંયમયોગ - Shrimad Bhagvad Gita - Atma Sanyam Yog in Gujarati

અધ્યાય 6 - આત્મસંયમયોગ

Adhyay – 6 Atma Sanyam Yog

શ્રીભગવાન ઉવાચ ।
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ	।	
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ	॥૧॥

શ્રી ભગવાન બોલ્યા: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરેછે તેજ સંન્યાસી અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)

યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ	।
ન હ્યસંન્યસ્તસંકલ્પો યોગી ભવતિ કશ્ચન	॥૨॥

હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઇ શકતો નથી.(૨)

આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે	।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે	॥૩॥

જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે. પરંતુ યોગપ્રાપ્તિ થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન બની જાય છે.પછી તે કર્મફળ માં લુબ્ધ થતો નથી.(૩)

યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે	।
સર્વસંકલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે	॥૪॥

જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)

ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્	।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ	॥૫॥

આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ, કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)

બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ	।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્	॥૬॥

જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બંધુ છે.પરંતુ જેના આત્મા એ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)

જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ	।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ	॥૭॥

જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યું છે , જે નિર્વિકાર રહેછે,તે સર્વ સ્થિતિ માં સમાન ભાવે રહે છે.(૭)

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ	।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ	॥૮॥

જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે તે યોગી “યોગસિદ્ધ “કહેવાય છે.(૮)

સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ	।
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે	॥૯॥

સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં,સાધુઓમાં કે પાપીઓમાં જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વ માં શ્રેષ્ઠ યોગી છે. (૯)

યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ	।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ	॥૧૦॥

માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી,આશારહિત અને પરિગ્રહરહિત થઈને, એકાંત માં નિવાસ કરી અંત:કરણને સદા યોગાભ્યાસ માં જોડવું.(૧૦)

શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ	।
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્	॥૧૧॥

યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું. એ આસન પર સ્થિરતાથી બેસવું,આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.(૧૧)

તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયાઃ	।
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે	॥૧૨॥

તૈયાર કરેલા તે આસન પર બેસી ,ચિત્તને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની શુદ્ધિ માટે યોગ નો અભ્યાસ કરવો.(૧૨)

સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ	।
સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્	॥૧૩॥

સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી,આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.(૧૩)

પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ	।
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ	॥૧૪॥

યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી મનનો સંયમ કરી,મારું ચિંતન કરતાં,મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.(૧૪)

યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ	।
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ	॥૧૫॥

આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)

નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ	।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન	॥૧૬॥

હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી. તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.(૧૬)

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ	।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા	॥૧૭॥

જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસર ની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે.અને તેના દુઃખોનો નાશ કરી નાખે છે.(૧૭)

યદા વિનિયતં ચિત્તમાત્મન્યેવાવતિષ્ઠતે	।
નિઃસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા	॥૧૮॥

જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)

યથા દીપો નિવાતસ્થો નેઙ્ગતે સોપમા સ્મૃતા	।
યોગિનો યતચિત્તસ્ય યુઞ્જતો યોગમાત્મનઃ	॥૧૯॥

જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગી નું મન ચલિત થતું નથી.(૧૯)

યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા	।
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ	॥૨૦॥

યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે.(૨૦)

સુખમાત્યન્તિકં યત્તદ્બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્	।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ	॥૨૧॥

જયારે સુક્ષ્મ બુદ્ધિ થી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર થયેલો યોગી બ્રહ્મ-સ્વરૂપ માંથી ચલિત થતો નથી.(૨૧)

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ	।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે	॥૨૨॥

આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.(૨૨)

તં વિદ્યાદ્દુઃખસંયોગવિયોગં યોગસંજ્ઞિતમ્	।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા	॥૨૩॥

જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે.આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ નિશ્ચયથી સાધ્ય કરવો.(૨૩)

સંકલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ	।
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ	॥૨૪॥

સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી ,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે જીતી ને (૨૪)

શનૈઃ શનૈરુપરમેદ્બુદ્ધ્યા ધૃતિગૃહીતયા	।
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપિ ચિન્તયેત્	॥૨૫॥

તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)

યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્	।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્	॥૨૬॥

આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)

પ્રશાન્તમનસં હ્યેનં યોગિનં સુખમુત્તમમ્	।
ઉપૈતિ શાન્તરજસં બ્રહ્મભૂતમકલ્મષમ્	॥૨૭॥

જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.(૨૭)

યુઞ્જન્નેવં સદાત્માનં યોગી વિગતકલ્મષઃ	।
સુખેન બ્રહ્મસંસ્પર્શમત્યન્તં સુખમશ્નુતે	॥૨૮॥

આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી ,જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે,એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ	।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ	॥૨૯॥

જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુવેછે.(૨૯)

યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ	।
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ	॥૩૦॥

જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું.(૩૦)

સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ	।
સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે	॥૩૧॥

જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.(૩૧)

આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન	।
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ	॥૩૨॥

હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ થી જુવે છે,તે મને પરમ માન્ય છે.(૩૨)

અર્જુન ઉવાચ ।
યોઽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન	।
એતસ્યાહં ન પશ્યામિ ચઞ્ચલત્વાત્સ્થિતિં સ્થિરામ્	॥૩૩॥

અર્જુન બોલ્યા: હે મધુસુદન !તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની ચંચળતા ને લીધે રહી શકે તેમ લાગતું નથી.

ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્	।
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્	॥૩૪॥

હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન અને અભેદ્ય છે.તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠિન છે,એવું મને લાગે છે.(૩૪)

શ્રીભગવાન ઉવાચ ।
અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્	।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે	॥૩૫॥

શ્રીભગવાન બોલ્યા: હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે, એ વાત નિ:સંશય હું માનું છું,પરંતુ હે કાંન્ન્તેય ! વૈરાગ્ય અને અભ્યાસ ના યોગ થી તેને પણ સ્વાધીન કરી શકાય છે.(૩૫)

અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ	।
વશ્યાત્મના તુ યતતા શક્યોઽવાપ્તુમુપાયતઃ	॥૩૬॥

જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણ ને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરેછે,તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે. એવો મારો મત છે.(૩૬)

અર્જુન ઉવાચ ।
અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ	।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ	॥૩૭॥

અર્જુન બોલ્યા: હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મન અંતકાળે યોગ માંથી ચ્યુત થયું છે,એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામેછે?(૩૭)

કચ્ચિન્નોભયવિભ્રષ્ટશ્છિન્નાભ્રમિવ નશ્યતિ	।
અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ	॥૩૮॥

હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો? (૩૮)

એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ	।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે	॥૩૯॥

હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯)

શ્રીભગવાન ઉવાચ ।
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે	।
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્દુર્ગતિં તાત ગચ્છતિ	॥૪૦॥

શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી વંચિત રહેતો નથી.હે તાત ! સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.(૪૦)

પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ	।
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે	॥૪૧॥

યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક માં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.(૪૧)

અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્	।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્	॥૪૨॥

અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે, કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્	।
યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન	॥૪૩॥

એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)

પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યવશોઽપિ સઃ	।
જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે	॥૪૪॥

ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે તે યોગ તરફ વળે છે.યોગના જીજ્ઞાસુઓ ને વેદાચરણ ના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)

પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ	।
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્	॥૪૫॥

કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.(૪૫)

તપસ્વિભ્યોઽધિકો યોગી જ્ઞાનિભ્યોઽપિ મતોઽધિકઃ	।
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન	॥૪૬॥

તપસ્વી ,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં યોગી વધુ શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)

યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાન્તરાત્મના	।
શ્રદ્ધાવાન્ભજતે યો માં સ મે યુક્તતમો મતઃ	॥૪૭॥

સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે.(૪૭)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
આત્મસંયમયોગો નામ ષષ્ઠોઽધ્યાયઃ ॥૬॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)