શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 3 - કર્મયોગ - Shrimad Bhagvad Gita - Karma Yog in Gujarati

અધ્યાય 3 - કર્મયોગ

Karma Yog in Gujarati

અર્જુન ઉવાચ ।
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૧||

અર્જુન બોલ્યા: હે કેશવ, જો આપ બુદ્ધિને કર્મથી અધિક માનતા હો તો મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજીત કરો છો?

વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મેં |
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૨||

ભળતા વાક્યોથી મારી બુદ્ધિ શંકિત થઇ રહી છે. માટે મને એ એક રસ્તો દેખાડો જે નિશ્ચિંત પ્રકારે મારા માટે ઉત્તમ હોય.

શ્રીભગવાન ઉવાચ ।
લોકેઽસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ |
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ || ૩ ||

શહે નિષ્પાપ! આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની, (એમ) બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે.

ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે |
ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ || ૪ ||

મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી (કર્મોથી મુક્ત થવા રૂપ) મારા નૈષ્કર્મ્ય16ભાવને પામતો નથી; તેમ જ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. જે અવસ્થામાં કર્મો અકર્મરૂપ થાય છે અને ફળ ઉત્પન્ન કરી શકતાં નથી, તેનું નામ ‘નૈષ્કર્મ્ય’ છે.

ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ || ૫ ||

વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી; કારણ કે પ્રકૃતિના ગુણોથી (બંધાયેલા) સર્વને પરવશપણે કર્મો તો કરવાં જ પડે છે||

કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ |
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે || ૬ ||

જે મૂઢાત્મા કર્મેંદ્રિયોને વશ કરી મન વડે ઇંદ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી – ઢોંગી કહેવાય છે||

યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન |
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે || ૭ ||

પરંતુ હે અર્જુન! મન વડે ઇંદ્રિયોને વશ કરી ફલાસક્તિરહિત થઈને, જે કર્મેંદ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે, તે અતિ શ્રેષ્ઠ થાય છે||

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ || ૮ ||

તું ઇંદ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય-કર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ (કરવું) વધારે સારું છે; અને કર્મ નહિ કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહિ થાય||

યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ |
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર || ૯ ||

હે કૌંતેય! યજ્ઞ માટેનાં કર્મ સિવાય બીજાં કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે; માટે હે અર્જુન! ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર||

સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ |
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ || ૧૦ ||

પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું : “આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. એ તમારી ઇચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ.”||

દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ |
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ || ૧૧ ||

આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે; પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો||

ઇષ્ટાન્ભોગાન્હિ વહ દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ |
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુઙ્ક્તે સ્તેન એવ સઃ || ૧૨ ||

કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે; (પરંતુ) તેમણે આપેલા (ભોગો) તેમને નહિ આપી જે (પોતે જ) ભોગવે છે, તે ચોર જ છે||

યજ્ઞશિષ્ટાશિનઃ સન્તો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ |
ભુઞ્જતે તે ત્વઘં પાપા યહ પચન્ત્યાત્મકારણાત્ || ૧૩ ||

યજ્ઞથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે, તેઓ પાપ જ ખાય છે||

અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ |
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ || ૧૪ ||

અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે.

કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ્ |
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ || ૧૫ ||

કર્મને વેદથી ઊપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલ છે; માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે

એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ |
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ || ૧૬ ||

હે પાર્થ! એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી, તે પાપી જીવનવાળો તથા ઇંદ્રિયલંપટ હોઈ વ્યર્થ જીવે છે||

યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ |
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે || ૧૭ ||

પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તેને (કંઈ) કરવાનું રહેતું નથી||

નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન |
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ || ૧૮ ||

આ સંસારમાં તેને કરેલાં કે નહિ કરેલાં કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી; તેમ જ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી||

તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર |
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરુષઃ || ૧૯ ||

માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય-કર્મ તું સારી રીતે કર; કેમ કે આસક્તિરહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે||

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ |
લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્કર્તુમર્હસિ || ૨૦ ||

જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે; (વળી) લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે||

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ |
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે || ૨૧ ||

શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે||

ન મેં પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન |
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ || ૨૨ ||

હે પાર્થ! મારે ત્રણે લોકમાં કંઈ કરવાનું નથી કે નહિ મળેલું મેળવવાનું નથી; છતાં હું કર્મમાં વર્તું જ છું||

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ || ૨૩ ||

કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું, તો હે પાર્થ! સર્વ મનુષ્યો મારો માર્ગ અનુસરે||

ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ |
સંકરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ || ૨૪ ||

એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું વર્ણસંકરનો કર્તા થાઉં તથા આ પ્રજાઓનો નાશ કરું||

સક્તાઃ કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત |
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ચિકીર્ષુર્લોકસંગ્રહમ્ || ૨૫ ||

હે ભારત! કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે, તેમ લોકસંગ્રહ કરવા ઇચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઈ કર્મ કરવું

ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસઙ્ગિનામ્ |
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ || ૨૬ ||

વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો; (પણ પોતે) જ્ઞાનયુક્ત છતાં સારી રીતે કર્મ કરતો રહી (અજ્ઞાનીઓ) પાસે સર્વ કર્મો કરાવવાં.||

પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ |
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે || ૨૭ ||

સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. (છતાં) અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો ‘હું કર્તા છું’ એમ માને છે||

તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ |
ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે || ૨૮ ||

પહે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનારો તો ‘ગુણો ગુણોમાં વર્તે છે,’ એમ માની આસક્ત થતો નથી||

પ્રકૃતેર્ગુણસંમૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ |
તાનકૃત્સ્નવિદો મન્દાન્કૃત્સ્નવિન્ન વિચાલયેત્ || ૨૯ ||

પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા (મનુષ્યો) ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે; પૂર્ણ વસ્તુ નહિ જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણજ્ઞાની ચલિત ન કરે||

મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા |
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ || ૩૦ ||

આત્મનિષ્ઠ ચિત્ત વડે બધાં કર્મો મારામાં અર્પણ કરી ફલાશારહિત, મમતા વિનાનો તથા શોકરહિત થઈ તું યુદ્ધ કર||

યહ મેં મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ |
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ || ૩૧ ||

જે મનુષ્યો મારા આ મતને દ્વેષબુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે, તેઓ પણ કર્મોનાં બંધનથી મુક્ત થાય છે||

યહ ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મેં મતમ્ |
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્વિદ્ધિ નષ્ટાનચેતસઃ || ૩૨ ||

પરંતુ જેઓ મારા આ મતનો દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી, તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલો સમજ||

સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ |
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ || ૩૩ ||

જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ (સ્વભાવ) અનુસાર ચેષ્ટા કરે છે, બધાં પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે; (એમાં) પ્રકૃતિનો (સ્વાભાવિક ક્રિયાઓનો) નિગ્રહ શું કરી શકશે?||

ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ |
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપન્થિનૌ || ૩૪ ||

(પરંતુ) પ્રત્યેક ઇંદ્રિયને તેના વિષયમાં રાગદ્વેષ રહેલા છે; તે રાગ-દ્વેષને વશ ન થવું; કારણ કે તે બન્ને મનુષ્યના કર્તવ્યમાર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે||

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ |
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ || ૩૫ ||

બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તોપણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતાં મરણ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે||

અર્જુન ઉવાચ ।
અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પૂરુષઃ |
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ || ૩૬ ||

તો પછી હે કૃષ્ણ! મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?||

શ્રીભગવાન ઉવાચ ।
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ |
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ || ૩૭ ||

આ રજોગુણથી ઉત્પન્ન થનારો, આ કામ જ ક્રોધ છે, ઘણું ખાનારો અને મહાપાપી છે; આ સંસારમાં આને તું વૈરી જાણ||

ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ |
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ || ૩૮ ||

જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમ આ કામ વડે આ (જ્ઞાન) ઢંકાયેલું છે||

આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા |
કામરૂપેણ કૌન્તેય દુષ્પૂરેણાનલેન ચ || ૩૯ ||

હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે||

ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે |
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ || ૪૦ ||

ઇંદ્રિયો, મન અને બુદ્ધિ આનાં આશ્રયસ્થાન કહેવાય છે; આ (કામ) એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે||

તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ |
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ || ૪૧ ||

માટે હે ભરતશ્રેષ્ઠ! તું પ્રથમ ઇંદ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી (કામ)નો ત્યાગ કર||

ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ |
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ || ૪૨ ||

(શરીરથી) ઇંદ્રિયોને પર કહે છે, ઇંદ્રિયોથી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર (મહાન) છે તે આત્મા છે||

એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના |
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ || ૪૩ ||

હે મહાબાહો! એમ આત્માને (બુદ્ધિથી) પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ॥૩॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)