શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 10 - વિભૂતિયોગ - Shrimad Bhagvad Gita - Vibhooti Yog in Gujarati

અધ્યાય 10 - વિભૂતિયોગ

Adhyay – 10 Vibhooti Yog

શ્રીભગવાન ઉવાચ ।
ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ	।
યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા	॥૧॥

શ્રીભગવાન બોલ્યા: શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! ફરીથી તું મારા પરમ વચનો સાંભળ; તને મારા ભાષણ થી સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ	।
અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ	॥૨॥

દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું.(૨)

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્	।
અસંમૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે	॥૩॥

જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી ઓળખે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.(૩)

બુદ્ધિર્જ્ઞાનમસંમોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ	।
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ	॥૪॥

બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ, ઉત્પતિ, વિનાશ, ભય અભય અને.(૪)

અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ	।
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ	॥૫॥

અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન,યશ, અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન થાય છે.(૫)

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા	।
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ	॥૬॥

પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઇ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો તથા ચૌદ મનુઓ મારામાં ભાવવાળા બધા જ મારા સંકલ્પથી ઉત્પન થયેલા છે. અને તેમનાથી જ જગતનાં સર્વ પ્રાણીઓ ઉત્પત્તિ થઇ છે.(૬)

એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ	।
સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ	॥૭॥

જે પુરુષ મારી પરમ અશ્વર્યરૂપ વિભૂતિને એટલેકે મારા વિસ્તારને અને યોગશક્તિને (ઉત્પન કરવાની શક્તિને) તત્વથી જાણે છે તે પુરુષ નિશ્વલ ધ્યાનયોગથી મારામાં ઐક્ય ભાવથી સ્થિત થઇ સમ્યગદર્શન ના યોગવાળો થાય છે, એમાં સંશયને સ્થાન નથી.(૭)

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે	।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ	॥૮॥

હું – (શ્રી કૃષ્ણ) જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય છે. એમ તત્વથી જાણીને શ્રદ્ધા- ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો મને –પરમેશ્વરને નિરંતર ભજે છે.(૮)

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્	।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ	॥૯॥

તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી, મારામય રહી મને સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન મારા વિષે બોધ આપતા ગુણ અને પ્રભાવ સાથે મારું કીર્તન કરતાં નિરંતર સંતુષ્ટ રહે છે અને મારામાં લીન રહે છે.(૯)

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્	।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે	॥૧૦॥

સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું તેવો બુદ્ધિયોગ આપું છું.(૧૦)

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ	।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા	॥૧૧॥

તેમના પર અનુગ્રહ કરવા તેમના અંત:કરણમાં ઐક્યભાવથી સ્થિત થઈને પ્રકાશિત તત્વજ્ઞાનરૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું.(૧૧)

અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્	।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્	॥૧૨॥

અર્જુન બોલ્યા: અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.(૧૨)

આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા	।
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે	॥૧૩॥

એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.(૧૩)

સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ	।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ	॥૧૪॥

હે કેશવ ! આપ જે કંઈ મને કહી રહ્યા છો, તે સર્વ હું સત્ય માનું છું. હે ભગવાન ! દેવો અને દૈત્યો પણ આપનું સ્વરૂપ જાણી શક્યા નથી.(૧૪)

સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ	।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે	॥૧૫॥

હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ ! હે જગતપતિ ! આપ સ્વયં આપના સામર્થ્યથી આપને જાણો છો.(૧૫)

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ	।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ	॥૧૬॥

હે મહારાજ ! તમારી અનંત વિભૂતીઓમાંથી જેટલી વ્યાપક, શક્તિશાળી તથા તેજસ્વી હોય, તે બધી મને હવે જણાવો. હે અનંત ! તમારી જે વિભૂતિઓ ત્રણેલોકમાં વ્યાપ્ત થઇ રહી છે, તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે તે મને કહો.(૧૬)

કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્	।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા	॥૧૭॥

હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? હે ભગવન્ ! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ? (૧૭)

વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન	।
ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્	॥૧૮॥

હે જનાર્દન ! તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી વિસ્તારપૂર્વક કહો, કેમ કે તમારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી.(૧૮)

શ્રીભગવાન ઉવાચ ।
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ	।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે	॥૧૯॥

શ્રી ભગવાન કહે છે : હે કુરુશ્રેષ્ઠ ! હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી.(૧૯)

શ્રીભગવાન બોલ્યા
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ	।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ	॥૨૦॥

હે ગુડાકેશ ! સર્વ ભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું. સર્વ ભૂતોનો આદિ,મધ્ય અને તેનો અંત પણ હું છું.(૨૦)

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્	।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી	॥૨૧॥

હે પાર્થ ! અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું.(૨૧)

વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ	।
ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના	॥૨૨॥

વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.(૨૨)

રુદ્રાણાં શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્	।
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્	॥૨૩॥

અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું, આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.(૨૩)

પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્	।
સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ	॥૨૪॥

હે પાર્થ ! પુરોહિતમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ. સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું.(૨૪)

મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્	।
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ	॥૨૫॥

સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત ॐ કાર હું છું , સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું.(૨૫)

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ	।
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ	॥૨૬॥

સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિદ્ધોમાં કપિલમુનિ હું છું.(૨૬)

ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્	।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્	॥૨૭॥

અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું, ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમજ.(૨૭)

આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્	।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ	॥૨૮॥

આયુધોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનું હું છું, પ્રજાને ઉત્પન કરનાર કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ સર્પ હું છું.(૨૮)

અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્	।
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્	॥૨૯॥

નાગોમાં નાગરાજ અનંત હું છું, જળદેવતાઓમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું અને નિયમન કરનારામાં યમ હું છું.(૨૯)

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્	।
મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્	॥૩૦॥

દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦)

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્	।
ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી	॥૩૧॥

પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, જળચરોમાં મગર હું છું અને નદીઓમાં ગંગા હું છું.(૩૧)

સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન	।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્	॥૩૨॥

હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદવિવાદ કરનારાઓમાં વાદ હું છું.(૩૨)

અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ	।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ	॥૩૩॥

અક્ષરોમાં ‘ અ ‘કાર હું છું, સમાસોમાં દ્વંદ સમાસ હું છું તથા અક્ષયકાળ અને વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ –પોષણ કરનારો પણ હું છું.(૩૩)

મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્	।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા   ॥૩૪॥

સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.(૩૪)

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્	।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ	॥૩૫॥

ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.(૩૫)

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્	।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્   ॥૩૬॥

છલ કરનારાઓમાં ધૃત (જુગાર) હું છું, પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું, જીતનારાઓનો વિજય હું છું, નિશ્વય કરનારાઓનો નિશ્વય હું છું, સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું.(૩૬)

વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનંજયઃ	।
મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ	॥૩૭॥

વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું.(૩૭)

દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્	।
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્	॥૩૮॥

દમન કરનારાઓની દમનશક્તિ હું છું, જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું.(૩૮)

યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન	।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્	॥૩૯॥

હે અર્જુન ! સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.(૩૯)

નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરંતપ	।
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા	॥૪૦॥

હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કહી સંભળાવ્યો.(૪૦)

યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા	।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસંભવમ્	॥૪૧॥

હે પાર્થ ! જે પણ વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે એમ તું જાણ.(૪૧)

અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન	।
વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્	॥૪૨॥

અથવા હે અર્જુન ! મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે? હું આ સંપૂર્ણ જગતને મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું, માટે મને જ તત્વથી જાણવો જોઈએ.(૪૨)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ॥૧૦॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)